ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા
Blog Article
ઓલિમ્પિકમાં બે મેડલ વિજેતા નીરજ ચોપરાએ એક ખાનગી સમારંભમાં ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા હતાં. ભારતના ભાલાફેંક સુપરસ્ટારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર 19 જાન્યુઆરીએ લગ્નના ફોટા શેર કર્યા હતાં. હિમાની મોર હરિયાણાના સોનીપતની છે અને હાલમાં યુએસએમાં અભ્યાસ કરી રહી છે.
નીરજે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘જીવનના નવા અધ્યાયની શરૂઆત પોતાના પરિવારની સાથે કરી છે. અમને આ ક્ષણ સુધી એકસાથે લાવવા બદલ દરેક આશીર્વાદ માટે આભારી. પ્રેમથી બંધાયેલા, હંમેશા માટે ખુશ.’
નીરજ ચોપરાએ તેમના લગ્નની વિગતો સફળતાપૂર્વક ગુપ્ત રાખી હતી. તેના પરિણામે, તેના લગ્નના પ્રથમ ફોટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ચાહકોને આશ્ચર્ય સાથે આનંદિત કર્યા હતા. નીરજે તેની માતાની એક હૃદયસ્પર્શી તસવીર પણ શેર કરી હતી જેમાં તે સમારંભમાં તેના આશીર્વાદ આપે છે. નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક્સ ગેમ 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં તેને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
હિમાની મોર હાલમાં ન્યૂ હેમ્પશાયરની ફ્રેન્કલિન પિયર્સ યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (મેજર) માં માસ્ટર્સ ડિગ્રી મેળવી રહી છે. તે દિલ્હીના મિરાન્ડા હાઉસની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જ્યાં તેને પોલિટિકલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશનમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. તેનો એક ભાઈ હિમાંશુ છે. તે પણ ટેનિસ ખેલાડી પણ છે. હિમાનીએ દિલ્હી યુનિવર્સિટી માટે રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લીધા પછી તાઇપેઇમાં 2017 વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લીધો હતો. તેને 2016માં મલેશિયામાં યોજાયેલી વર્લ્ડ જુનિયર ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.